સરકારનો નિર્ણય:આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી નહીં યોજાય એ નક્કી, સરકારે નવરાત્રી મહોત્સવ રદ્દ કર્યો

કોરોના વચ્ચે રાજ્યમાં નવરાત્રી ઉજવાશે કે નહીં તેને લઇને એક દુવિધા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. ત્યારે આગામી 17થી 25 ઓક્ટોબર દરમિયાના યોજાનારો રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.
નવરાત્રી અંગે સરકાર વિચારી રહી હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું
કોરોના મહામારીને કારણે વિશ્વના લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે ખ્યાતિ પામેલા નવરાત્રિ ઉત્સવ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 17મી ઓકટોબરથી શરૂ થનારી નવરાત્રિના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ નિર્ણય કર્યો નથી. જો કે સરકાર યોગ્ય સમયે વિચાર કરીને નિર્ણય લેવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. આ અંગે રૂપાલના એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેલૈયા નવરાત્રિની કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યારે સરકાર આ અંગે વિચારણા કરશે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે, તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે. સરકાર કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી કરી રહી છે.
રાજકોટના સૌથી મોટા સહિયર અને સરગમ ક્લબ ગ્રુપ દ્વારા રાસોત્સવ નહીં યોજાય
રાજકોટમાં કોરોના સંક્રમણ વધવાના કારણે તાજેતરમાં જ શહેરના બે અર્વાચીન રાસ ગરબા સંચાલકોએ આ વર્ષે આયોજન રદ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ મોટા ગણાતા સહિયર અને સરગમ ગ્રુપના સંચાલકો દ્વારા નવરાત્રિ રદની જાહેરાત કરી છે.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા રદ
સમગ્ર ગુજરાતમાં જેની નામના છે એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી યોજાશે નહીં. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ થોડા દિવસ પહેલા આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે, આવનારા સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચૂસ્ત પાલન અનિવાર્યપણે કરવાનું છે. આવા સંજોગોમાં નાગરિકોની સલામતી એ આપણી પ્રાથમિકતા છે અને એટલે ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે.
Please do not enter any spam link in the comment box